કેરા: તીર્થધામ નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિર બનાવવાનો સંકલ્પ પૂર્ણ થયો છે. સંતો, દાતા અને હરિભક્તોના સહિયારા પ્રયાસોથી નિર્માણ પામેલા આ મંદિર સંકુલના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થયો, જ્યારે બુધવારે ઉતારા અને ભોજનાલયનું લોકાર્પણ કરાયું.
ભુજના બ્રહ્મલીન સંતોએ વર્ષો પહેલાં ઇચ્છા દર્શાવી હતી કે, નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થાય. આ ભગીરથ કાર્ય માટે મંદિરના મંડળધારી સંતો, સાંખ્ય યોગી બહેનો અને દેશ-વિદેશમાં વસતા હરિભકતો સામે પ્રસ્તાવ મૂકતાં સર્વપ્રથમ ભુજ મંદિર સલાહકાર સમિતિના રામજી દેવજી વેકરિયા પરિવારે 12 એકર ભૂમિ દાન આપવા તૈયારી દર્શાવી હતી. જે બાદ મદનપુરના હરિભક્ત કાનજીભાઈ મેપાણીએ સહપરિવાર શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું. બીજી તરફ કોઠારી મુરજીભાઈ શિયાણીને સહયોગ મળતાં મંદિરની તમામ મૂર્તિનું કાર્ય પરિપૂર્ણ થયું છે.

