મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં સતત ભારે વરસાદ પડ્યો. મંગળવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ પાણી ભરાયાં હતાં, જેના કારણે રેલ, બસ, હવાઈ સેવાને ભારે અસર થઈ છે.
મોનોરેલ સેવાને પણ અસર થઈ હતી. એલિવેટેડ ટ્રેક પર મોનોરેલ ફસાતાં 500 મુસાફરોને ક્રેનની મદદથી કોચ તોડી બહાર કઢાયા હતા. આ ઉપરાંત મધ્ય રેલવેએ 14 ટ્રેન રદ કરી હતી. 250થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી, તો લોકલ ટ્રેનસેવા પણ પ્રભાવિત થઈ. વરસાદ સંબંધિત ઘટનામાં 14 લોકોનાં મોત થયાં છે.
હરિયાણામાં હાથિની બેરેજના તમામ 18 દરવાજા ખોલી દેવાતાં દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 205 મીટરના ભયજનક નિશાનથી ઉપર પહોંચ્યું હતું. દિલ્હીમાં પણ ભારે વરસાદના પગલે યુપીના આગ્રા સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. યમુના નદીનું જળસ્તર વધતાં પાણી તાજમહેલની દીવાલ સુધી પહોંચ્યું છે.
સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું, જેના જોરદાર પ્રવાહમાં 3 દુકાનો ધોવાઈ ગઈ. કુલ્લુ બજારમાં એક રસ્તો પણ પૂરના કારણે ધોવાઈ ગયો. તેમજ સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે મંડી જિલ્લામાં પણ નુકસાન થયું છે.

