પોરબંદરઃ 79માં સ્વાતંત્ર્ય પર્વે રાજ્યકક્ષા મહોત્સવ પ્રસંગે પોરબંદર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવઓએ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબહેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરક્ષા સામે કાંકરીચાળો નહીંઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના 79મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાતના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહવાન કરતો સંદેશ પાઠવ્યો. તેમણે કહ્યું કે, ભારતે વડાપ્રધાનના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂરની સફળતાએ દુનિયાને બતાવ્યું કે, આતંકવાદ કે દેશની સુરક્ષા સામે કોઈ કાંકરીચાળો ભારતમાં ચાલશે નહીં. 1960માં મુંબઈથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતનાં 75 વર્ષ એક દાયકા પછી એટલે કે 2035માં થવાના છે. ગુજરાતને @ 75માં વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો આપણો સંકલ્પ છે.

