રાહુલ સોગંદનામું આપો, નહિતર માફી માગો: ચૂંટણીપંચ

Wednesday 20th August 2025 06:55 EDT
 
 

નવી દિલ્હીઃ વિપક્ષના ‘વોટ ચોરી અને બિહારમાં મતદાર યાદીના સઘન નિરીક્ષણમાં અનિયમિતતાના આરોપો વચ્ચે ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે 85 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'કાં તો સોગંદનામું આપવું પડશે અથવા દેશ સમક્ષ માફી માગવી પડશે. કોઈ ત્રીજો વિકલ્પ નથી. સોગંદનામું નહીં મળે તેનો અર્થ એ કે તમામ આરોપ પાયાવિહોણા છે.
રાહુલ ગાંધીએ 31 જુલાઈએ કર્ણાટકની મહાદેવપુરા બેઠક પર વોટચોરીનો આરોપ લગાવ્યો હતો. જ્ઞાનેશકુમારે કહ્યું, શું અમે સોગંદનામા વિના 1.5 લાખ મતદારોને નોટિસ ફટકારી દઈએ? શું તે મતદારોને એસડીએમ ઓફિસમાં આવવાનું કહી દઈએ? આ અયોગ્ય છે.
લોકશાહીને બદનામ કરે છે
ભાજપના મહાસચિવ તરુણ ચુઘે કહ્યું કે, રાહુલનો આ યાત્રા રિલોન્ચિંગનો પ્રયાસ છે. તેઓ જનતા સાથે જોડાઈ શકતા નથી. રાહુલ જુઠ્ઠાણાં બનાવી લોકશાહી અને બંધારણને બદનામ કરે છે.
ચૂંટણીની નિષ્પક્ષતા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે બિહારના રોહતાસથી મતદાર અધિકાર યાત્રા' શરૂ કરી.


comments powered by Disqus