વડોદરાઃ ચોમાસામાં વારંવાર મગર શહેરમાં ફરતા હોઈ વડોદરા જાણીતું થઈ ગયું છે. ચોમાસામાં રસ્તા પર મગર દેખા દે તે હવે સામાન્ય બાબત બની ગઈ છે, જેનું કારણ છે વડોદરાની વચ્ચેથી પસાર થતી 21 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદી. અહીં વસવાટ કરતા મગરોની સંખ્યા સતત વધી રહી છે.
ફેબ્રુઆરી મહિનામાં શહેરની વચ્ચે વહેતી વિશ્વામિત્રી નદીમાં ગીર (ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ફાઉન્ડેશન, વનવિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મગરની વસ્તીગણતરી કરાઈ હતી. આ ગણતરી બાદ લેટેસ્ટ આંકડા પ્રમાણે વડોદરા 442 મગરનું ઘર બની ચૂકયું છે. છેલ્લે 2020માં ગણતરી કરાઈ ત્યારે 275 મગર હોવાનું અનુમાન હતું. આમ 5 વર્ષમાં મગરની સંખ્યામાં લગભગ 60 ટકાનો જંગી વધારો થયો છે.
વડોદરાના જેટલા વિસ્તારથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યાં બંને કિનારા પર માણસોની વસ્તી વધી છે, છતાં મગરોએ અસ્તિત્વ ટકાવવા માટે અનુકૂલન સાધી લીધું છે. વિશ્વામિત્રીનું પ્રદૂષિત પાણી લોકો માટે કામનું નથી, છતાં નદીમાં માછલીઓ જોવા મળે છે. આ ઉપરાંત કિનારા પરના શ્વાન અને ભુંડ ખોરાકની ગરજ સારે છે, જેથી મગરોની સંખ્યા વધી રહી છે.

