વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર શિવભક્તો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા સોમવારના કારણે ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદભુત પ્રવાહ જોવા મળ્યો. વહેલી સવારથી જ મંદિરો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગૂંજ્યાં હતાં.
ગુજરાતનાં મુખ્ય શિવમંદિરો જેવાં કે સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ, નિષ્કલંક મહાદેવ, જડેશ્વર, સ્તંભેશ્વર અને ભવનાથ સહિતનાં તમામ મંદિરોમાં ભક્તિનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
રાજ્યભરનાં શિવાલયોમાં શિવભક્તોની લાંબી કતારો દર્શન-પૂજા માટે ઊમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળ અને દૂધના અભિષેક સાથે મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી મહાદેવની ઉપાસના કરી દેવાધિદેવ મહાદેવનો જયઘોષ કર્યો હતો.
શ્રાવણના છેલ્લા સોમવારે જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર અને પવિત્ર દામોદર કુંડના કાંઠે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બીજી તરફ શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમેશ્વર મહાપૂજાની કરી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીરસોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો.

