વેરાવળઃ ગીરસોમનાથના તાલાલા તાલુકાના ચિત્રોડ રોડ પર 12 ઓગસ્ટે મારામારીનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 15 શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે 5 દિવસ ફરાર દેવાયત ખવડને પોલીસે સુરેન્દ્રનગરના દુધઈના ફાર્મહાઉસથી પકડી પાડ્યો હતો અને તેની સાથે વધુ 6 શખ્સને પકડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, પોલીસે તમામ દિશામાં અલગ-અલગ ટીમ બનાવી પૂછપરછ હાથ ધરી હતી, ઉપરાંત દેવાયતના ઘરે પણ પહોંચી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સીસના આધારે આખરે દુધઈથી રવિવારે દેવાયતને ઝડપ્યો હતો.
કેમ થયું ઘર્ષણ?
પોલીસ તપાસમાં જણાયું છે કે, 6 મહિના પહેલાં સનાથલના ભગવતસિંહ ચૌહાણના પિતાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ડાયરામાં રકમ લઈને ન જનારા દેવાયત ખવડ સાથે થયેલી બબાલ બાદ દેવાયત ખવડે આ અદાવતનો બદલો લેવા હુમલો કર્યો હોવાનું ધ્રુવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું. આ દરમિયાન દેવાયત દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરાવાઈ હતી.

