નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે દિલ્હી ખાતેના તેમના આવાસ પર ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. આ પહેલાં વાંગ યીએ વિદેશમંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોવાલ સાથે પણ મહત્ત્વપૂર્ણ બેઠક કરી. આ દરમિયાન નવી દિલ્હી અને બેઇજિંગના દિગ્ગજો દ્વિપક્ષીય સંબંધ ઉપરાંત સ્થિર અને મજબૂત દિશામાં કામ કરવા માટે કામ કરી રહ્યા છે.
વાંગ યીની પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત મહત્ત્વની મનાય છે કે, કારણ કે ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદ પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. આ ટેરિફમાં રશિયાથી ક્રૂડની ખરીદી પરનો 25 ટકા વધારાનો દંડ પણ સામેલ છે.
ચીની વિદેશમંત્રી વાંગ સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, ‘વાંગ યીને મળીને આનંદ થયો. ગતવર્ષે કઝાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત બાદ ભારત અને ચીનના સંબંધોમાં એકબીજાનાં હિતો અને સંવેદનશીલતાના સન્માનમાં પ્રગતિ આવી છે. હું SCO શિખર સંમેલન દરમિયાન તિયાનજિનમાં થનારી અમારી આગામી મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.’
ચીનના વિદેશમંત્રી વાંગે ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે મુલાકાત કરી. વાંગ સાથેની મીટિંગમાં એસ. જયશંકરે કહ્યું કે, બંને દેશ વચ્ચેના મતભેદ વિવાદ ન બનવા જોઈએ. 2024માં બંને દેશના નેતાની કઝાનમાં થયેલી મુલાકાત પછી કોઈ ચીની અધિકારીની આ પ્રથમ મુલાકાત છે. જયશંકરે વાંગનું ધ્યાન એ તરફ પણ દોર્યું કે સીમા પર તણાવ ઘટાડવાનું ચાલુ રહે. આ સાથે મોદીના ચીન પ્રવાસ પૂર્વે બંને દેશ વચ્ચે સીધી ફ્લાઈટોની તૈયારી શરૂ કરાઈ છે.

