પોરબંદરઃ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે રાજ્યકક્ષાના 79મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની રાષ્ટ્રગીત સુરાવલી અને પરેડ સાથે ધ્વજવંદન કરાવ્યું હતું.
આ તબક્કે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને 79મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જાહેર કર્યું કે, સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા હવે રાજ્ય સરકાર 'સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક'ના ધ્યેય સાથે 'એજન્ડા ફોર 2035'ને અમલી બનાવશે. જે હોલ ઓફ ગવર્નમેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે. આ ‘એજન્ડા 2035'ના ફ્રેમવર્કમાં રાજ્યવ્યાપી આંતરમાળખાકીય સુવિધાઓ સુદઢ કરવા, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ કરવા, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકો સિસ્ટમ અને નવી ઊભરતી ટેક્નોલોજીના ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતનાં પાસાંને આવરી લેવાશે.
મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ ઊજવાઈ રહ્યું છે, ત્યારે નાનાં નગરોના સુઆયોજિત વિકાસ માટે 100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને એક લાખ સુધીની વસ્તી ધરાવતાં 55 નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાશે. આ ઉપરાંત, શહેરોની સાથે ગામોના પણ વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટ માટે 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના' જાહેર કરી હતી. જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ પર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા રૂ. 100 કરોડની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના' અમલમાં મુકાશે.
મોટાં ગામડાં શહેરોનો વિકલ્પ બને અને નાગરિકો શહેરો તરફથી આવાં મોટાં ગામો તરફ આવવા પ્રેરાય તેવો આ યોજનાઓનો હેતુ છે. આ નવી યોજનામાં ખાસ કરીને માળખાગત સુવિધાઓને લગતાં કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર સ્ટ્રીટ લાઇટ તથા આરોગ્ય સુખાકારી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનાં કામો સમાવિષ્ટ કરાશે. ગુજરાત નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (NSDP)માં વ્યક્તિદીઠ રૂ. 1.96 લાખ સાથે દેશનાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે, ત્યારે મુખ્યમંત્રીએ 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ફોર ગ્લોબલ' માટે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા અને તેના જ ઉપયોગની હિમાયત કરી હતી.

