ગાંધીનગરઃ ગુજરાતમાં વર્ષ 2036માં ઓલિમ્પિક યોજવાની તૈયારીના ભાગરૂપે એક નવો મોટો પ્રોજેક્ટ તાબડતોબ વિચારણામાં લેવાયો છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશ્વમાં વધુ ધ્યાનાકર્ષક કરવાના ભાગરૂપે ત્યાં ઇન્ટરનેશનલ કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઊભી કરવાના પ્રયાસો ઝડપથી શરૂ થયા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ત્યાં વિવિધ રમતો માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થાપવા માગે છે. એવી જ રીતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ ઓથોરિટી પણ આવો પ્રોજેક્ટ હાથ ધરવા માગે છે. પરિણામે બંને તંત્રના સંયુક્ત ઉપક્રમે આ જંગી પ્રોજેક્ટમાં ઝડપથી આગળ વધાય તેવી શક્યતા છે.
ટોચનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રિકેટ સિવાયની રમતો માટે ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાના નિર્માણનો વિચાર થઈ રહ્યો છે, જેમાં જિમ્નાસ્ટિક્સ, આર્ચરી, દોડ-ભાલાફેંક- ગોળાફેંક જેવી ખેલકૂદ માટે ટ્રેક્સ, સ્વિમિંગ પુલ્સ વગેરે માટે ફેસિલિટી હશે. આ સૂત્રો કહે છે કે, વિશાળ પાયે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 40-50 એકર જગ્યા જોઈશે, જે રાજ્ય સરકાર પાસેથી મેળવવા ટૂંકમાં પ્રપોઝલ તૈયાર થશે.
રાજ્યમાં ઓલિમ્પિક માટેની તૈયારીમાં અત્યાર સુધી SoU લોકેશન બાકાત હતું, જેના કારણે કેન્દ્ર સરકાર તરફથી સ્ટેચ્યૂ નજીક ઇન્ટરનેશનલ કક્ષાની સ્પોર્ટ્સ ફેસિલિટીઝના નિર્માણ માટે સૂચન થયું હોવાનું બનવાજોગ છે. પરિણામે આ નવા વિચારને મૂર્તિમંત કરવા કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્યને મોટું ભંડોળ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે 2025-26ના રાજ્યના બજેટમાં આવા કોઈ મોટા પ્રોજેક્ટ માટે નાણાકીય જોગવાઈ ન હોવાનું જણાવાઈ રહ્યું છે.