અમદાવાદઃ ગુજરાતથી પ્રકાશિત થતા જાણીતા અખબાર ગુજરાત સમાચારના મેનેજિંગ ડિરેક્ટર બાહુબલી શાહની ગુરુવારે રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરાઈ હતી. જો કે બાદમાં મની લોન્ડરિંગના આરોપસર અટકાયતમાં લેવાયેલા બાહુબલી શાહની તબિયત લથડતાં કોર્ટે તેમને 31 મે સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ પછી તેમની રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી થશે.
આ પૂર્વે બુધવારે સવારે ઇન્કમટેક્સ અને ઇડી દ્વારા ગુજરાત સમાચારના ખાનપુર કાર્યાલય, ન્યૂઝ ચેનલ જીએસટીવીની કચેરી સહિતના સ્થળોએ સર્ચ હાથ ધરાયું હતું, જે બાદ બીજા દિવસે ઇડી દ્વારા બાહુબલી શાહની ધરપકડ કરાઈ હતી. ઇડીએ પૂછપરછ દરમિયાન બે વખત બાહુબલીભાઈના નિવેદન નોંધ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત લથડતાં સૌપ્રથમ વી.એસ. હોસ્પિટલમાં અને પછી ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં બાહુબલીભાઈના વકીલોએ અમદાવાદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી મૂકીને આરોગ્યની નાજુક સ્થિતિ હોવા સહિતના મુદ્દે જામીન માગ્યા હતા. તો ઈડીએ પણ મેડિકલ ગ્રાઉન્ડ હોવાથી જામીન અરજી સામે વાંધો ઉઠાવ્યો નહોતો. આથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. બચાવ પક્ષના વકીલો તરફથી કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, તેમની બાયપાસ સર્જરી કરાયેલી છે. ઉપરાંત બ્રેઇન સ્ટ્રોક આવેલો છે અને તેમની તબિયત અત્યંત નાજુક હોવાથી હાલમાં તેમની પૂછપરછ થઈ શકે તેમ નથી. આ ઉપરાંત કોર્ટની કોઇ પણ શરતોનું પાલન કરવાની અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી.
લોકતંત્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર: રાહુલ
અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાંથી પ્રકાશિત થતાં દૈનિક ગુજરાત સમાચારના મેનેજિંગ ડાયરેક્ટર બાહુબલી શાહની ઈડી દ્વારા કરાયેલી ધરપકડને દેશના વિપક્ષી નેતાઓએ વખોડી છે. કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ માત્ર ગુજરાત સમાચારને ચૂપ કરાવવાનો પ્રયાસ નથી, પરંતુ લોકતંત્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનોએ પણ આ ઘટનાક્રમને વખોડ્યો હતો. આ દરમિયાન ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી અને બાહુબલીભાઈના મોટાભાઈ શ્રેયાંશ શાહને ટાંકીને એક અખબારમાં જણાવાયું હતું કે, આ 20 વર્ષ જૂનો કેસ છે. અને અગાઉ અનેક વખત આ કેસમાં ઇન્વેસ્ટિગેશન થઈ ચૂક્યું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, સરકાર દ્વારા સ્વતંત્ર મીડિયા પર તરાપ લોકશાહી માટે ઘાતક છે. પ્રિયંકા ગાંધીએ એક્સ પર લખ્યું કે, સરકારે યાદ રાખવું જોઈએ કે ભારત બંધારણીય લોકશાહી છે, જ્યાં લોકોના અવાજને દબાવી શકાતો નથી. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા, આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી સહિતના નેતાઓએ આ બાબતને વખોડી સરકારની ટીકા કરી છે.