મહેસાણાઃ અમદાવાદની ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરનારા યુવકને ઇન્કમટેક્સ વિભાગે એના નામે ખોલવામાં આવેલી પેઢીના બેન્ક ખાતામાં થયેલા લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનને લઈ પેનલ્ટી સાથે રૂ. 31 કરોડ ભરવાની નોટિસ ફટકારી છે. આ અંગે તપાસ કરતાં પાટણમાં તેના નામે બોગસ પેઢી ખૂલી હોવાનું અને ગુમાસ્તા ધારાના લાઇસન્સ અને તેના પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટને આધારે પાટણ અને ઊંઝાની આઇસીઆઇસીઆઇ બેન્કમાં ખાતાં પણ ખોલાયાં હોવાનું બહાર આવ્યું હતું.
દોઢ વર્ષના ગાળામાં થયેલા ટ્રાન્ઝેક્શનને પગલે ઇન્કમટેક્સ વિભાગે તેને નોટિસ ફટકારી હોવાની ખબર પડતાં 11 વર્ષ પછી કોર્ટના હુકમને પગલે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ઊંઝા પોલીસે સમગ્ર કાંડ કરનારા અજાણ્યા માસ્ટર માઇન્ડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.