બાંગ્લાદેશીઓનો ભારતીય પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું રેકેટ ઝડપાયું

Wednesday 21st May 2025 06:19 EDT
 
 

અમદાવાદઃ ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. 300 જેટલા બાંગ્લાદેશીને તો પકડીને ડિપોર્ટ કરી દેવાયા છે, જો કે પોલીસ તપાસમાં સનસનીખેજ વિગતો સામે આવી છે. અહીં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું અને એના આધારે પાસપોર્ટ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે અમદાવાદથી વધુ એક બાંગ્લાદેશી અને એજન્ટને ઝડપી પાડ્યો છે, જેઓ ઘૂસણખોરોને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા. આ ડોક્યુમેન્ટ બનાવવા તેઓ ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરના લેડરપેડનો દુરુપયોગ કરતા હોવાનું જણાયું છે. આરોપીઓની દુકાનથી અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ અને આઇડી પ્રૂફ મળ્યા છે.
ગુજરાત એટીએસએ બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહંમદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. આરોપી તેના મકાનની નીચે મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફરની દુકાન ચલાવે છે. તેણે પોતાના ખોટા આઇડી પ્રૂફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. રાણા સરકારે અને રોબ્યુલ ઇસ્લામનાએ નારોલ મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલા અલકુરેશ એન્ટરપ્રાઇઝના શોહેબ કુરેશી સાથે મળીને બીજા બાંગ્લાદેશી લોકોનાં પણ આધાર, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના ખોટા દસ્તાવેજો બનાવી પાસપોર્ટ કઢાવી આપ્યા હતા.


comments powered by Disqus