સંઘ મુખ્યાલય સહિત 3 સ્થળે હુમલામાં સામેલ આતંકી ઠાર

Wednesday 21st May 2025 07:04 EDT
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય પર 2006માં થયેલા હુમલાના મુખ્ય કાવતરાખોર અને લશ્કર-એ-તોઇબાના આતંકી રઝાઉલ્લાહ નિઝામાની ઉર્ફે અબુ સૈફુલ્લાહ રવિવારે ઠાર મરાયો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અજાણ્યા બંદૂકધારીઓએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિઝામાનીને પાકિસ્તાન સરકારે સુરક્ષા પૂરી પાડી હતી.
સૂત્રોના મતે નિઝામાની છેલ્લે સિંધ પ્રાંતના માતલી શહેરમાં રહેતો હતો. રવિવારે બપોરે તે પોતાના ઘરેથી નીકળીને ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો, ત્યારે ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સુરક્ષા એજન્સીઓના મતે નિઝામાની 2006માં નાગપુરસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. તે સિવાય ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલુરુ પર 2005માં થયેલો હુમલો અને 2001માં ઉત્તરપ્રદેશના રામપુરસ્થિત સીઆરપીએફ કેમ્પ પરના હુમલામાં પણ તેનું નામ સામે આવ્યું હતું.


comments powered by Disqus