3 વર્ષમાં 210 હીરાવેપારીઓનું ઊઠમણું

સ્ટોક ખાલી કરવા ઉધાર વેચાણ ભારે પડ્યું

Wednesday 22nd January 2025 04:52 EST
 
 

સુરતઃ ડાયમંડ માર્કેટમાં મંદી ચાલી રહી છે, જેને લઈને હીરાના વેપારીઓની ઊઠમણાઓની પણ ઘટના વધી ગઈ છે. છેલ્લાં 3 વર્ષમાં ડાયમંડ ઉદ્યોગના 210થી વધારે વેપારીઓએ રૂ. 1 લાખથી માંડીને રૂ. 150 કરોડ સુધીનાં ઊઠમણાં કર્યાં છે. સુરત ડાયમંડ એસોસિયેશનમાં 3 વર્ષમાં 24, મહિધરપુરા પોલીસમાં 186 ઉપરાંત બેલ્જિયમ અને હોંગકોંગમાં 1-1 ઊઠમણાં થયા છે. અંદાજિત 210 ઊઠમણાંમાં રૂ. 300 કરોડથી વધારેનું ઊઠમણું થયું છે. મંદીના કારણે તૈયાર હીરાની ડિમાન્ડમાં ઘટાડો થયો, જેથી વેપારીઓએ સ્ટોક ખાલી કરવા માટે ખરીદનારની ચકાસણી વગર જ માલ ઉધારમાં વેચી નાખ્યો, એટલે આવી સ્થિતિ સર્જાઈ છે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું હતું કે, વેપારીઓ ઊઠમણાંથી બચવા રોકડથી વેપાર કરવા તરફ વળ્યા છે. ડાયમંડ બ્રોકર એસોસિયેશનના પ્રમુખ નંદલાલ નાકરાણીએ કહ્યું હતું કે, આ વખતે મંદી ખૂબ જ લાંબી ચાલી છે, માર્કેટમાં ડિમાન્ડ ન હોવાના કારણે ઊઠમણાનું પ્રમાણ વધ્યું છે, વેપારીઓને માલની પડતર પણ મોંઘી પડી રહી છે. ડિમાન્ડ નીકળે તો ઊઠમણાનું પ્રમાણ ઘટી શકે.


comments powered by Disqus