ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવા અભિગમની શરૂઆત કરાઈ છે, જેના ભાગરૂપે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબનું ઉદઘાટન કર્યું હતું. તેની સાથે જ તેમણે ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ ઊભી કરવાની નેમ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલું ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના IT એટલે કે ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે.
તેની સાથે જ આ ફિનટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસર પૂરા પાડશે. આ યંગ પ્રોફેશનલ્સની સ્કિલ અને ઇનોવેશનથી ગુજરાત 2029 સુધી ગ્લોબલ ફિનટેેક રિવોલ્યુશનમાં અગ્રણી બનશે.
ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયાએ કહ્યું હતું કે, ફિનટેક સેક્ટરમાં ટૂંકાગાળાની તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ માટે ઇનોવેશન હબની ગુજરાતમાં આવશ્યકતા હતી. ગિફ્ટ સિટીએ ફિનટેક સેક્ટરમાં યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપવા આ ઇનોવેશન હબ કાર્યરત્ કર્યું છે. ગિફ્ટ સિટીના ટાવર-2માં 1800 સ્ક્વેર ફૂટ “રેડી ટુ યુઝ” જગ્યા પણ ફાળવી આપી છે. સ્ટાર્ટઅપ્સને મેન્ટરિંગ ફેસિલિટીઝ પણ અપાશે. ગિફ્ટ સિટીએ ખૂબ ટૂંકા સમયમાં જ આ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબ રાજ્ય સરકારના સહયોગથી કાર્યરત્ કર્યા છે.

