જમીન ફાળવણી કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને 5 વર્ષની જેલ

Wednesday 22nd January 2025 04:52 EST
 
 

અમદાવાદઃ કચ્છ-ભુજના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 5 વર્ષની જેલની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. કચ્છ-ભુજમાં કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન વેલસ્પન કંપનીને આર્થિક ફાયદો કરી આપવાના અને ખોટી રીતે જમીન ફાળવી સરકારને નુકસાન પહોંચાડવાના એસીબીના કેસમાં તેમને સજા કરાઈ છે. પ્રદીપ શર્મા સામે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 3 કેસ ચાલતા હતા. શર્મા તેમજ તેમની પત્નીની ભાગીદારી કંપનીમાંથી પોતાના ખાતામાં રૂ. 9 લાખ ટ્રાન્સફર કરવાનો અને ભ્રષ્ટાચારનો કેસ હતો. વેલસ્પનને જમીન ફાળવણી તેમજ મોબાઇલ ફોનનું બિલ પણ કંપની પાસે ભરાવવાના કેસમાં તેમને દોષિત ઠેરવાયા છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે, વેલ્યુ પેકેજિંગ કંપનીની તરફેણમાં જમીન એનએ કરવામાં પ્રદીપ શર્માએ ગોટાળો કર્યો હતો.
આ કંપનીમાં પ્રદીપ શર્માનાં પત્નીની 30 ટકા ભાગીદારી હતી. વેલ્યુ પેકેજિંગના ટ્રાન્ઝેક્શનમાંથી પકડાયું હતું કે, રૂ. 25 લાખ તેમનાં પત્નીના ખાતામાં આવ્યા હતા અને તેમાંથી રૂ. 9 લાખ પ્રદીપ શર્માના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. તેમણે આર્થિક લાભ માટે પત્નીને આ કંપનીમાં ભાગીદાર બનાવ્યાં હતાં. શર્માના એડવોકેટે દલીલ કરી હતી કે, જમીન 2005માં ફાળવાઈ હતી અને સરકારે ફરિયાદ 2012માં કરી હતી. જમીન ફાળવણીનો નિર્ણય તેમનો એકલાનો નહોતો. સરકાર જે નુકસાનનો દાવો કરે છે તે તેણે કંપની પાસેથી વસૂલી લીધા છે.


comments powered by Disqus