નવી દિલ્હીઃ રાજદ્વારી સ્તરે લદ્દાખ સેક્ટરમાં બે વિવાદિત બિંદુઓ પરથી સૈન્યની વાપસી છતાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ સંવેદનશીલ પણ સ્થિર છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદીએ તેમની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડરની સ્થિતિ અંગે આ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પૂર્વીય લદ્દાખના ડેપસાંગ અને ડેમચોકમાં પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે. પૂર્વી લદ્દાખમાં એલએસી પરની સ્થિતિ વિશે દ્વિવેદીએ કહ્યું કેસ અમે કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છીએ. સરહદ પર માળખાગત સુવિધાઓ વધારવા અને ક્ષમતા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેના વિશ્વાસને એક નવી વ્યાખ્યા મળવી જોઈએ.
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ત્યાંથી થતી ઘૂસણખોરી રોકવા માટે વધુ 15 હજાર જવાનો તહેનાત કર્યા છે. તેથી આતંકની ઘટનામાં ઘટાડો નોંધાયો છે. અમે 73 આતંકીને ઠેકાણે લગાવ્યા છે, જેમાંથી 60 ટકા પાકિસ્તાની હતા. એટલે સ્થાનિકો અમન ઇચ્છે છે. બાંગ્લાદેશ અંગે આર્મી ચીફે કહ્યું કે, બાંગ્લાદેશ આપણા માટે મહત્ત્વપૂર્ણ છે. આપણે બંને પાડોશી દેશ છીએ અને કોઈપણ પ્રકારની દુશ્મનાવટ એકબીજા માટે સારી નથી.
મણિપુરની સ્થિતિ કાબૂમાં
સરકારની પહેલ અને સુરક્ષાદળોના પ્રયાસોથી મણિપુરની સ્થિતિ નિયંત્રણમાં આવી છે. જો કે ક્યાંક હિંસાની નાની-મોટી ઘટનાઓ બની રહી છે. અમે સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. જે માટે સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.

