તલગાજરડાઃ મહુવા તાલુકાના તલગાજરડાની તપોભૂમિમાં દરવર્ષે દરેક જિલ્લાથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને શિક્ષક સંઘ દ્વારા પસંદ કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરાય છે. આ કાર્યક્રમ પૂ.મોરારિબાપુનાં સાંનિધ્યમાં તલગાજરડાના ચિત્રકૂટ ધામ પ્રભુ પ્રસાદ કેન્દ્ર ખાતે યોજાયો હતો.
સમારોહમાં સ્વાગત તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ મનુભાઈ શિયાળ દ્વારા કરાયું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, પૂજ્ય બાપુની ગાંધીનગર ખાતે કથા થઈ, પછી હવે શિક્ષકસંઘના પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય છે. બાપુની અપીલને સ્વીકારીને આપણે સમગ્ર રાજ્યમાં શિક્ષકો પોતે દાતા બનીને પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા અને રામાયણ અર્પણ કરે તેવી અપીલ કરીએ છીએ. બધા જ વિદ્યાર્થીઓની સ્કૂલબેગમાં આ બંને મહાગ્રંથ હોવા જોઈએ. આ અંગે મોરારિબાપુએ કહ્યું હતું કે, રામાયણ અને ગીતા માનવની બે આંખો છે, જે અંગે શિક્ષકો યથાર્થ પ્રયત્ન કરે. હજુ વધારે પ્રમાણમાં ચિત્રકૂટ ધામ શિક્ષકોનું સન્માન કરવામાં નિમિત્ત બની શકે તે માટે અમારો પ્રયત્ન છે.

