અમદાવાદઃ જૂનાવાડજમાં રહેતા 66 વર્ષના વૃદ્ધને શેરબજારમાં રોકાણની ટિપ્સ અને મોટા નફાની લાલચ આપી રૂ. 56 લાખની ઠગાઈ કરવાના પ્રકરણમાં 3 સાઇબર ગઠિયાની ધરપકડ કરાઈ છે. પ્રકાશ પરમાર, પ્રિયંગ ઠક્કર અને કેવલ ગઢવીએ વૃદ્ધ પાસે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂ. 59.06 લાખ ભરાવ્યા હતા.
પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેનાં 200થી વધુ બેન્ક ખાતાં સીઝ કર્યાં છે. આ ખાતાંનો ઉપયોગ ડિજિટલ એરેસ્ટ, શેરબજારમાં રોકાણને નામે ઠગાઈ માટે થતો હતો. આ બેન્ક ખાતા સામે દેશભરમાં 550 ફરિયાદ નોંધાઈ છે. ઝડપાયેલા આરોપીઓની આંબાવાડી ખાતેની ઓફિસમાં તપાસ કરતાં 46 બેન્ક પાસબુક, 112 ચેકબુક, રોકડા રૂ. 37 લાખ, 33 ડેબિટ કાર્ડ, સ્વાઇપ મશીન, લેપટોપ, રોકડ ગણવા માટેનું મશીન, 38 સિમકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ જપ્ત કરાયાં હતાં. આ ટોળકી જુદીજુદી પ્રકારની લાલચ આપી લોકોને નિશાન બનાવતી હતી.

