સ્થાનિક સ્વરાજની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ

Wednesday 22nd January 2025 04:52 EST
 
 

ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા 21 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે, જે મુજબ 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. હાલમાં માત્ર જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરાઈ છે. કમિશનરના જાણાવ્યા મુજબ 4 હજાર ગ્રામપંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરાશે. ચૂંટણીનું પરિણામ 18 ફેબ્રુઆરીએ જાહેર કરાશે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી જારે કરાઈ છે.
મહત્ત્વની તારીખો
21જાન્યુઆરીએ મંગળવારે રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. જે કાર્યક્રમ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 27 જાન્યુઆરી નિયત કરવાઈ છે, તો ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે. ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા નામાંકન પત્રોની ચકાસણી 3 ફેબ્રુઆરીએ થશે, જે બાદ સીધા 16 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન મતદાન કરવામાં આવશે. જે બેઠક પર પુનઃ મતદાનની જરૂર જણાય તો 17 ફેબ્રુઆરીની તારીખને બફર રાખવામાં આવી છે. જે બાદ 18 ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે.
મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર
અગાઉ રાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરાયું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું, જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત અપાઈ છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે, તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીથી મેયર બનશે. વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે, તો બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીથી મેયર બનશે, અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.

ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી?
જૂનાગઢ મહાનગરપાલિકા
નગરપાલિકા: 66
તાલુકા પંચાયત: કઠલાલ, કપડવંજ, ગાંધીનગર
મધ્યસત્ર ચૂંટણી: બોટાદ અને વાંકાનેર ન.પા.

ક્યાં-ક્યાં યોજાશે પેટાચૂંટણી?
મનપા: 3 બેઠક
નગરપાલિકા: 21 બેઠક
જિલ્લા પંચાયત: 9 બેઠક
તાલુકા પંચાયત: 91 બેઠક


comments powered by Disqus