હવે અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટટ્રેક ઈમિગ્રેશન સુવિધા

Wednesday 22nd January 2025 04:52 EST
 
 

અમદાવાદઃ હવે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદથી વિદેશ જતાં પ્રવાસીઓને ઇમિગ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે. ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતે ભારત સરકાર દ્વારા શરૂ થયેલા ‘ફાસ્ટટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP)નું ઉદ્‌ઘાટન કર્યું. ડિજિયાત્રા એપની જેમ આ પ્રોગ્રામ હેઠળ વિદેશ જતાં અને ફાસ્ટટ્રેક ઇમિગ્રેશન માટેના પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવનારા મોબાઇલથી જ ઇ-ગેટ પર સ્કેન કરી પાસપોર્ટ સ્કેન કરી સિક્યોરિટી ક્લિયરન્સ માટે જઇ શકશે. એટલે કે ઇમિગ્રેશન માટેની લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે.
આ સુવિધા હાલ દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ -થ્રી પર ઉપલબ્ધ છે અને 16 જાન્યુઆરીથી અમદાવાદ ઉપરાંત મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન એરપોર્ટ ખાતે શરૂ થશે. અમેરિકા સહિતના વિકસિત દેશોમાં આવી સુવિધા પહેલેથી છે, એવી જ સુવિધા ભારતના એરપોર્ટ ખાતે ભારતીય મુસાફરો અને ઓસીઆઇ કાર્ડધારકોને નિ:શુલ્ક મળશે. આ માટે FTI-TTP એક ઓનલાઇન પોર્ટલ https://ftittp.mha.gov.in શરૂ કરાયું છે, જેમાં નોંધણી કરાવવા માટે મુસાફરોએ તેમની વિગતો ભરીને અને પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે અપલોડ કરી ઓનલાઈન નોંધણી પૂર્ણ કરવી પડશે. નોંધાયેલા અરજદારોનો બાયોમેટ્રિક ડેટા ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) પર અથવા એરપોર્ટ પરથી પસાર થતી વખતે કેપ્ચર કરાશે. નોંધાયેલા મુસાફરોએ ઈ-ગેટ પર એરલાઇન દ્વારા જારી કરાયેલો બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે, ત્યારબાદ તેમનો પાસપોર્ટ સ્કેન કરવાનો રહેશે. આગમન અને પ્રસ્થાન બંને સ્થાનો પર મુસાફરના બાયોમેટ્રિક્સ ઈ-ગેટ પર પ્રમાણિત કરવામાં આવશે. એકવાર આ પ્રમાણીકરણ સફળ થઈ જાય, પછી ઈ-ગેટ આપમેળે ખૂલશે અને ઈમિગ્રેશન ક્લીયરન્સ મંજૂર માનવામાં આવશે.


comments powered by Disqus