અમદાવાદઃ ગેરકાયદે અમેરિકા મોકલવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલનો ભાગીદાર તેમ જ દિલ્હીના એજન્ટ ઝાકીર ઉર્ફે સમીર શેખને ઝડપી લેવાયો છે. કબૂતરબાજીના આ કૌભાંડમાં બોબી પકડાતાં સમીર બનાવટી પાસપોર્ટના આધારે પેરિસ અને ત્યાંથી દુબઈ ભાગી ગયો હતો. 6 મહિના પહેલાં તે નેપાળ થઈને ભારત આવ્યો હતો અને હૈદરાબાદ મિત્રના ઘરે રહેતો હતો. મલિયાલી ફિલ્મના ડિરેક્ટર સમીર વિરુદ્ધ દિલ્હીમાં પણ આ જ પ્રકારના ગુના નોંધાયેલા છે.
પાસપોર્ટ સહિતના બનાવટી ડોક્યુમેન્ટ્સના આધારે લોકોને ગેરકાયદે અમેરિકા, કેનેડા તેમજ યુરોપના દેશોમાં મોકલવાના કૌભાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝાકીર ઉર્ફે સમીર શેખની ધરપકડ કરી હતી. આ વિશે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, બોબી અને તેના સાગરીતો વિરુદ્ધ કબૂતરબાજીનો ગુનો નોંધાયો હતો, જેમાં બોબીની ધરપકડ થતાં તેનો પાર્ટનર ઝાકીર બનાવટી પાસપોર્ટના આધારે પેરિસ ભાગી ગયો હતો. આથી તેની વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી.

