જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યુંઃ 250 ઘર જમીનદોસ્તઃ 100થી વધુનું રેસ્ક્યૂ

Wednesday 23rd April 2025 07:02 EDT
 
 

શ્રીનગરઃ રવિવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલો વરસાદ જીવલેણ બન્યો. રામબન જિલ્લાના સેરીબાગમાં વહેલી સવારે વાદળ ફાટવાથી ભારે વરસાદ પડ્યો, જેમાં 3 લોકોનાં મોત થયાં. કાટમાળને કારણે આ વિસ્તારમાં 250થી વધુ ઘર નાશ પામ્યાં હતાં. 100થી વધુ લોકોને બચાવી સલામત સ્થળોએ લઈ જવાયા હતા. સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નેશરી અને બનિહાલ વચ્ચે એક ડઝન સ્થળોએ વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. આ એકમાત્ર રોડ કાશ્મીરને દેશ સાથે જોડે છે. આ 250 કિ.મી. લાંબો હાઇવે બંધ થતાં સેંકડો મુસાફરો વિવિધ સ્થળોએ રસ્તા પર ફસાયા હતા.
ગુજરાતના 50 મુસાફરોની બસ પણ ફસાઈ
જમ્મુ-કાશ્મીરથી શ્રીનગર જઈ રહેલા પાલનપુરના 20 અને ગાંધીનગરના 30 મુસાફરો ભરેલી ખાનગી બસ રવિવારે રામબન જિલ્લામાં ખરાબ હવામાનને કારણે ફસાઈ હતી. જેની જાણ થતાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સ્થાનિક કલેક્ટરનો સંપર્ક કરી મુસાફરોને સલામત સ્થળે ખસેડવા માટે કવાયત હાથ ધરી હતી.


comments powered by Disqus