ભુજઃ મુન્દ્રાના સમાઘોઘામાં આવેલી જમીન જિંદાલ સોપાઇપ્સને ગેરકાયદે ફાળવવાના કેસમાં ભુજ કોર્ટે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત તત્કાલીન નગરનિયોજક, નાયબ મામલતદાર, નિવાસી નાયબ કલેક્ટરને દોષિત જાહેર કરી 5 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10 હજાર દંડનો હુકમ કર્યો છે.
સમાઘોઘાની જમીન જિંદાલ કંપનીને ગેરકાયદે ફાળવાઈ હતી, જે મામલે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, તત્કાલીન નગર નિયોજક નટુ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિ અને તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર અજિતસિંહ ઝાલા વિરુદ્ધ 2011માં સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. પૂર્વ કલેક્ટર સહિતના ચારેય આરોપીએ સત્તાની ઉપરવટ જઈ સરકારને નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં વર્ષ 2004 માં કંપનીને નિયમથી વધુ જમીન ફાળવેલી હતી. આ કેસમાં ભુજની કોર્ટે 18 સાક્ષી અને 52 દસ્તાવેજી પુરાવા તપાસી ચારેય આરોપીને દોષિત જાહેર કર્યા છે અને 5 વર્ષની સખત કેદ તેમજ રૂ. 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.