ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દોઢ કલાકથી વધુ સમય માટે ચર્ચા કરી હતી. તેમની આ મુલાકાત ગુજરાતમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ અને પટેલ સરકારના મંત્રીમંડળમાં ફેરફારનો સંભવિત સમય નજીક હોવાની સૂચક મનાય છે. જો કે આ મુલાકાત સામાન્ય અને ઔપચારિક હોવાનું પ્રતીત કરાવવા મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો સાથે ગુજરાતના વિકાસ માટે માર્ગદર્શનરૂપ બેઠક એવું લખાણ રાખ્યું હતું.
જાહેર કરાયેલી તસવીરોમાં મુખ્યમંત્રીના ખોળામાં એક ફાઇલ છે, જેની દોરી ખૂલેલી છે. આમ ભૂપેન્દ્ર પટેલ સાથેની ચર્ચા દરમિયાન મોદીએ તેમની સાથે સરકારી બાબતો પર ચર્ચા કરી હોવાની ચર્ચા છે. સંગઠન અને સરકારમાં તબદીલી ઉપરાંત 20 એપ્રિલે રાજ્ય સરકારે સમાન નાગરિક ધારા માટે બનાવેલી કમિટીનો અહેવાલ સરકારમાં રજૂ કરવાની મુદત પૂર્ણ થઈ હોવાથી તે અંગે ચર્ચા થઈ હોવાની સંભાવના છે.
ભાજપ સંગઠનમાં નવા પ્રમુખની નિયુક્તિ નજીક
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની મુદત પૂર્ણ થતાં નવા અધ્યક્ષની નિમણૂક લંબાઈ રહી છે, પરંતુ મુખ્યમંત્રીની આ મુલાકાત બાદ જલદી તેના પર નિર્ણય આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ભાજપ પોતાના પ્રમુખ તરીકે વર્તમાન સાંસદ કે ધારાસભ્યને મૂકે છે તે પરંપરા આ વખતે જળવાય છે કે કેમ તે જોવું રહેશે.