મેહુલ ચોકસી અને તેની પત્નીએ ભાવનગરના સોનીનું 106 કિલો સોનું ઓળવ્યું હતું

Wednesday 23rd April 2025 06:07 EDT
 
 

ભાવનગરઃ પીએનબી બેન્ક સાથે કરોડોની છેતરપિંડીનો મુખ્ય આરોપી મેહુલ ચોકસી બેલ્જિયમથી ઝડપાઈ જતાં તેને ભારત લાવવાની તજવીજ શરૂ થઈ છે. તેવામાં 10 વર્ષ પૂર્વે મેહુલ અને તેની પત્ની સહિત 14 આરોપી વિરુદ્ધ ભાવનગરના સોના-ચાંદીના વેપારીએ તેમનું 109 કિલો સોનું ઓળવી જવાની સાથોસાથ 6 શો-રૂમ શરૂ કરાવી કરોડોનો ખર્ચ પણ પરત ન આપી ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. હાલ મેહુલ ચોકસી ઝડપાઈ જતાં ફરિયાદીએ આ કેસમાં પણ તેમની ધરપકડની માગ કરી છે.
બનાવની વિગત મુજબ ગીતાંજલિ જ્વેલર્સના નામે મેહુલ ચોકસીએ દેશભરમાં શરૂ કરેલી જ્વેલરી શો-રૂમ ચેઇનમાં ભાવનગરના દિગ્વિજયસિંહ એચ. જાડેજાએ વર્ષ-2010થી રોકાણકાર તરીકે જોડાઈને રોકાણ શરૂ કર્યું હતું. અને કટકેકટકે ગીતાંજલિ કંપનીમાં સોનાનાં બિસ્કિટ ખરીદવાનું શરૂ કર્યું હતું. તેમણે આ સાથે ભાવનગરના માધવદર્શન કોમ્પલેક્સમાં ગીતાંજલિ જ્વેલર્સ નામે શો-રૂમ શરૂ કર્યો હતો.
દિગ્વિજયસિંહ જાડેજાની આવડતને ધ્યાને લઈ મેહુલ ચોકસી તથા તેની પત્ની પ્રીતિએ તેમની સાથે બેઠક યોજી ભાવનગર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભુજ તથા મુંબઈમાં ગીતાંજલિ જ્વેલર્સના શો-રૂમ શરૂ કરવા આગ્રહ કર્યો હતો. જેના કારણે દિગ્વિજયસિંહે આ તમામ સ્થળોએ શો-રૂમ શરૂ કરી દીધા હતા, જે બદલ તેમને રૂ. 30 કરોડનો ખર્ચ થયો હતો.


comments powered by Disqus