ભરૂચઃ યુકેના યોર્કશાયરમાં યોજાયેલી માર્શલ આર્ટ્સ વિથ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ગુજરાતના અંકલેશ્વરના વતની શ્રેયસ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી માત્ર શ્રેયસે જ ભાગ લીધો હતો.
શ્રેયસ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સ્વાગત સોસાયટીનો રહેવાસી છે અને ગટટુ વિદ્યાલયનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. છેલ્લાં ચાર વર્ષથી તે યુકેમાં સ્થાયી થયેલો છે. તેની સફળતાની યાત્રા અહીં અટકતી નથી. વર્ષ 2019માં સાઉથ કોરિયામાં યોજાયેલી સ્પર્ધામાં પણ તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારતમાં રાષ્ટ્રીય સ્તરે તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેને વિવિધ સ્તરેથી અભિનંદન મળી રહ્યા છે.