અમદાવાદઃ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં મોટાં શહેરોમાં અમદાવાદને 12500માંથી 12079 માર્ક મળ્યા છે, એટલે કે 97 ટકા માર્ક્સ મળ્યા છે. સર્વેક્ષણની મોટાભાગની કેટેગરીમાં અમદાવાદને 100 ટકા માર્ક્સ છે. જો કે સેગ્રિગેશન એટલે કે સૂકો અને ભીનો કચરો અલગ કરવાના 94 માર્ક મળ્યા છે. આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, કચરાના નિકાલની કામગીરી, તળાવ સહિતનાં જળસ્ત્રોતોની સફાઈ કામગીરીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સર્વેક્ષણમાં ધ્યાને લેવાયેલી બાબતો પૈકી 6માં અમદાવાદને 100 ટકા માર્ક મળ્યા છે.
ગુજરાતની 163 નગરપાલિકાને 65 ટકા ગુણ
અમદાવાદ ગત વર્ષે પાંચમા ક્રમે હતું. જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ થયો ત્યારેશહેર 15મા ક્રમે હતું. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદ બાદ ભોપાલ બીજા ક્રમે અને લખનઉ ત્રીજા ક્રમે છે. નવા શહેરોને તક મળે એ માટે સરકારે આ વખતે સુપર લીગની નવી શ્રેણી બનાવી છે. જેમાં કોઈ રેન્કિંગ નથી હોતું. સુરત, ઇન્દૌર અને ગાંધીનગર સહિત 23 શહેરો સુપર લીગમાં પહોંચ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024- 25માં ગુજરાતની 163 અર્બન લોકલ બોડી એટલે કે નગરપાલિકાઓને સરેરાશ 65% ગુણ મળ્યા છે.
રોજ 3.60 લાખ યુનિટ વીજળી પેદા થાય છે
ગ્યાસપુરના જિંદાલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં શહેરભરમાંથી નીકળતા કચરાને પ્રોસેસ કરી દરકલાકે 15 હજાર યુનિટ લેખે રોજ 3.60 લાખ યુનિટ વીજળી પેદા કરવામાં આવે છે. હજુ આ ક્ષમતા 6 માસમાં વધારીને 4.80 લાખ યુનિટ કરાશે. જોકે સેગ્રિગેટેડ કચરો ન મળવાને કારણે હાલમાં 75 ટકા કચરાનો જ ઉપયોગ થાય છે. શહેરમાંથી દરરોજ 1 હજાર ટન કચરો પ્લાન્ટમાં આવે છે.
સૂકા કચરાથી ઈંધણ બનાવ્યું
પિરાણામાં સૂકા કચરાને પ્રોસેસ કરીને કોલસાના વિકલ્પ તરીકે ઈંધણ બનાવાય છે. ડમ્પ સાઇટથી કચરો બાયોમાઇનિંગ પ્રોસેસ કર્યા બાદ રોજ 3 હજાર ટન સૂકા કચરાથી ફ્યુઅલ બનાવાય છે. ત્યાં સૂકા કચરાને પ્રોસેસ કરીને અલગ તારવાય છે. બળતણમાં વાપરી શકાય તેવા કચરાને અલગ કરાય છેે.
સૂકા કચરાને પ્રોસેસ કરીને કોલસાના વિકલ્પરૂપે ઈંધણ તરીકે ઉપયોગ કરવા લાયક બનાવાય છે. આ પ્લાન્ટમાં રોજ 400 ટન ઈંધણ બનાવાય છે. જેને સિમેન્ટ પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોમાં વાપરવામાં આવે છે.
વેસ્ટથી ઇંટ સહિત 12થી વધુ પ્રોડક્ટ બને છે
કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ કલેક્ટ કરીને પિરાણા ખાતે પ્રોસેસ કરીને પેવર બ્લોક, ઈંટ, બેન્ચ સહિત 12થી વધુ પ્રોડક્ટ બનાવાય છે, જેમાં રોજ એક હજાર ટન વેસ્ટથી વિવિધ બેસ્ટ પ્રોડક્ટ બનાવાય છે. પ્રોસેસ પ્લાન્ટમાં રોજ સરેરાશ 7 હજાર પેવર બ્લોક, 700 કર્લિંગ, પ્રિકાસ્ટ કમ્પાઉન્ડ વોલના 2 X 2 મીટરના 70 નંગ, 5 હજાર ઇંટ બને છે. જ્યારે કાટમાળને ક્રશર મશીનમાં નાખીને માટી અને કપચીને અલગ કરાય છે.
મુખ્યમંત્રી દ્વારા સ્વચ્છતા પ્રહરીઓનું સન્માન
દેશમાં 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદને સન્માન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાના પ્રહરીસમાન સફાઈકર્મીઓને સન્માનિત કર્યા હતા. આ સાથે તેમણે અમદાવાદના નાગરિકોને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કયા માપદંડમાં અમદાવાદ મોખરે?
ડોર ટુ ડોર કચરાનો નિકાલઃ 100 ટકા
સૂકો-ભીનો કચરો અલગ કરવામાં: 94 ટકા
કચરાનું ઉત્પાદન અને નિકાલ: 100 ટકા
પિરાણા: કચરાના ડુંગરને ઘટાડવો: 100 ટકા
રહેણાક-માર્કેટ વિસ્તારની સફાઈ: 100 ટકા
વોટરબોડી (જળસ્ત્રોત)ની સફાઈ: 100 ટકા
જાહેર શૌચાલયની સફાઈ : 100 ટકા