આણંદઃ કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવાની માગ વચ્ચે બુધવારે રાજ્ય સરકારે આણંદ મહાનગરપાલિકાના નામમાં ‘કરમસદ’ ના નામને સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારી દીધી છે. જો કે કરમસદના નગરજનો આણંદને મનપામાં ન જોડવા માટે 6 માસથી ચળવળ ચલાવી રહ્યા હતા, આ દરમિયાન તાજેતરમાં મુખ્યમંત્રી સમક્ષ ભાજપના આગેવાનોએ રજૂઆત કરી હતી.આખરે સરકાર દ્વારા કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું નામ જાહેર કરાય, જેને કેબિનેટની બેઠકમાં મંજૂરી અપાઈ છે.
છેલ્લા એક દશકથી સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને વિશેષ દરજ્જો આપવાની સમયાંતરે માગ ઊઠી હતી, પરંતુ બહુમતીમાં ચૂંટાયેલી સરકાર દ્વારા આ માગને યેનકેન પ્રકારેણ ટલ્લે ચઢાવી દેવાઈ હતી. જે બાદ ગત જાન્યુઆરીમાં રાજ્ય સરકારે આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આપતાં તેમાં કરમસદનો સમાવેશ કરાતાં સ્થાનિક સ્તરેથી વિરોધ પ્રદર્શન થયું હતું. મહાનગરપાલિકા સાથે સરદાર પટેલ અથવા કરમસદ નામ જોડવાનીની માગ સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા કરાઈ હતી.
સમગ્ર મામલે ભાજપ સહિતના કેટલાક નેતાઓ જ આ મુદ્દે દૂર ભાગતા હતા. દરમિયાન આણંદ ભાજપ ધારાસભ્ય સહિત અગ્રણીઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને મહાનગરપાલિકામાં કરમસદનું નામ સામેલ કરવાની માગ સાથે આવેદન આપ્યું હતું. જે અંતર્ગત બુધવારે પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂરી અપાઈ હતી. નોંધનીય છે કે, નવું નામકરણ કરતાં જ હવે કોર્પોરેશનનાં વાહનો, લોગો સહિત બેનર પર નવા નામકરણનો વધારાનો ખર્ચો કરવો પડશે.