આણંદઃ કરમસદસ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબહેન પટેલ કાર્ડિયાક સેન્ટર ખાતે 90 વર્ષની મહિલા દર્દીને હૃદયમાં સંપૂર્ણ બ્લોકેજ હતું. જેથી વિશ્વનું સૌથી નાનું લીડલેસ પેસમેકર-માઇક્રાનું ઇમ્પ્લાન્ટ કરી આધુનિક શસ્ત્રક્રિયા કરાઈ. ગુજરાતમાં અત્યાર સુધીમાં ફક્ત 12 જેટલા જ ઇમ્પ્લાન્ટ કરાયા છે.
મહિલા દર્દીની સારવાર શરૂઆતમાં હોસ્પિટલના જનરલ મેડિસિન વિભાગમાં કરાઈ હતી, પરંતુ તેમના હૃદયની સંપૂર્ણ બ્લોકેજની ગંભીરતાને જોતાં વિભાગનાં સિનિયર ડો. અલ્પા પટેલે દર્દીને કાર્ડિયાક સેન્ટરમાં મોકલી આપ્યાં હતાં. કાર્ડિયાક સેન્ટરમાં દર્દીને કાયમી પેસમેકરની જરૂરિયાત સમજાવાઈ હતી. જો કે દર્દી પરંપરાગત પેસમેકરના ઇમ્પ્લાન્ટેશન માટે ખચકાતા હતા, કારણ કે તેમની ઉંમરના લીધે પીડા સહન કરવાની શક્તિ નહોતી. જેથી તેમને નાના લીડલેસ પેસમેકર મુકાવા માટે જણાવાયું હતું. કાર્ડિયાક સેન્ટરના કાર્ડિયોલોજિસ્ટ ડો. સુનિલ કર્ણએ આ પ્રક્રિયાને મિનિમલ ઇન્વેસિવ પદ્ધતિથી કરી હતી, જેમાં 9 મિ.મી.નો ચીરો થાપા પાસે મૂકવામાં આવ્યો હતો. આ લીડલેસ પેસમેકર એક વિટામિનની કેપ્સૂલની સાઇઝનું બે ગ્રામ વજનનું અને 0.8 મિલી વોલ્યુમનું હોય છે, જેની બેટરીની ક્ષમતા એક દાયકાથી વધુની હોય છે, જેને કોઈપણ બ્રાહ્ય ઘટકો વિના હૃદયની અંદર દાખલ કરાય છે.