અમદાવાદઃ કોંગ્રેસના હાઈ કમાન્ડે આખરે ગુરુવારે ગુજરાતના અધ્યક્ષ પદે અમિત ચાવડાને ફરી એકવાર બેસાડ્યા છે. અગાઉ ચાવડા 2018થી 2021 દરમિયાન કોંગ્રેસના પ્રમુખપદે હતા, પરંતુ 2021માં યોજાયેલી પંચાયત-પાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં ચાવડાએ રાજીનામું આપ્યું હતું. તે પછી ફરી 5 વર્ષે આ ચૂંટણીઓ આવશે તે પહેલાં ચાવડાને પુનઃ પ્રમુખપદે બેસાડીને રાજકારણમાં પ્રચલિત એવું TINA (There Is No Alternative) એટલે કે અન્ય કોઇ વિકલ્પ નથી તે પરિબળ કોંગ્રેસે પોતાના પક્ષમાં પણ પ્રવર્તે છે તે સાબિત કર્યું છે. કોંગ્રેસમાં વર્ષોથી સોલંકી-ચાવડા પરિવારનો દબદબો સાબિત થયો છે. આ અગાઉ ચાવડાના ફુઆ માધવસિંહ સોલંકી 1974થી 1975 તથા 1978થી 1980 અને તેમના પુત્ર તેમજ ચાવડાના પિત્રાઈ ભરતસિંહ સોલંકી 2006થી 2008 અને 2015થી 2018 દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા હતા, તેથી હવે તેમના સ્થાને ખેડબ્રહ્મા ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને નિયુક્ત કરાયા છે.
જવાબદાર વિપક્ષ તરીકે સક્રિય રહીશુંઃ અમિત ચાવડા
અમિત ચાવડાએ સંગઠન સૃજન અંતર્ગત બૂથથી પ્રદેશ સુધી નવું સંગઠન તૈયાર કરી નવા લોકોને તક આપવાની ખાતરી ઉચ્ચારી છે. સંગઠનના માધ્યમથી પ્રજા વચ્ચે જઈ સંવાદ પ્રસ્થાપિત કરીને તેમના મુદ્દાઓ મુદ્દે લડત કરાશે. ગુજરાત હંમેશાં પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે, તે પરંપરાને આગળ લઈ જતાં ગુજરાત અને ગુજરાતીઓનો વિકાસ થાય તે માટેના વિઝન સાથે કાર્યક્રમોને આગળ વધારવાની નેમ સાથે ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોના પ્રશ્નો, મહિલાઓ પર થતા અત્યાચાર, ખેડૂતોની સમસ્યાઓ, નાના વેપારીઓની તકલીફો, ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષિતો, પીડિતો-વંચિતોનો અવાજ બનીશું. ગુજરાતમાં અમે જવાબદાર વિપક્ષ તરીકે સક્રિય રહીશું