નવી દિલ્હીઃ ગુજરાત ATS એ એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 4 શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATS અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલા 4 આતંકી પૈકી 2ને ગુજરાત, એકને દિલ્હી અને એકની નોઈડા - ઉત્તરપ્રદેશથી ધરપકડ કરાઈ છે. આ બધા આતંકી અલકાયદાના AQIS સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ સૈફુલ્લાહ કુરેશી, મોહમ્મદ ફરદીન, મોહંમદ ફૈક અને ઝિશાન અલી તરીકે થઈ છે.
મોટા આતંકી હુમલાની યોજના બનાવતા હતા
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ચાર આતંકવાદી વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. ATS અનુસાર બધા આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે અને તેઓ ભારતમાં મોટાપાયે આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા. ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા
ગુજરાત ATSનું કહેવું છે કે, આ આતંકીઓને કેટલાંક ખાસ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવા માટે સૂચના અપાઈ હતી. આ ચાર આતંકીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકીઓ સાથે પણ સંપર્કમાં હતા.
આ ધરપકડને સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે સમયસર એક મોટું આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીઓ હવે તેમના નેટવર્ક, ભંડોળ, તાલીમ અને વિદેશી સંપર્કોની લિંક્સને જોડી રહ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા અને ધરપકડો થઈ શકે છે.