જામનગરઃ જામનગરના વિકાસમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. જામસાહેબે પોતાની અગત્યની સ્થાવર મિલકતો અદાણી ગ્રૂપને વિકાસ માટે સોંપી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, આ મિલકતો વેચવામાં આવી નથી, પરંતુ વિકાસ માટે ન્યૂનતમ રકમથી હક્ક આપવામાં આવ્યા છે.
જામસાહેબ શત્રુશલ્યસિંહજી જણાવ્યું કે અદાણી સાથેના આ સહયોગને તેઓ કીડી અને હાથીના સહયોગસમાન ગણે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ ધંધાર્થી વ્યક્તિ નથી અને આ નિર્ણય વ્યાવસાયિક હેતુથી નહીં, પરંતુ શહેરના વિકાસ માટે લેવામાં આવ્યો છે.
જામ સાહેબની દૃષ્ટિ જામનગરને ભારતનું પેરિસ બનાવવાની છે. તેમણે અદાણી ગ્રૂપને વિનંતી કરી હતી કે તેઓ શહેરના વિકાસમાં સહભાગી બને. અદાણી ગ્રૂપે આ વિચારને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જામસાહેબે આશા વ્યક્ત કરી છે કે, અદાણી ગ્રૂપ પોતાની કુશળતા અને વિઝનથી જામનગરને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ સહયોગથી શહેર વધુ સુંદર અને વિકસિત બનશે.