જૂનાગઢમાં કૃષિમંત્રી પત્નીને ભૂલ્યાઃ યાદ આવતાં 22 ગાડીનો કાફલો પાછો ફર્યો

Wednesday 23rd July 2025 05:54 EDT
 
 

જૂનાગઢઃ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ શનિવારે જૂનાગઢના પ્રવાસે હતા, જે નિમિત્તે શ્રાવણ માસને અનુલક્ષીને તેઓ પત્ની સાધનાબહેન સાથે સોમનાથદાદાનાં દર્શને પણ ગયા હતા. દર્શન બાદ તેઓ ગીર નેશનલ પાર્કમાં સિંહદર્શન કરી જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યારે સાધનાબહેન ગિરનાર દર્શને ગયાં હતાં. આ દરમિયાન ખરાબ રસ્તાના કારણે કાર્યક્રમ પતાવી નીકળવાની ઉતાવળમાં શિવરાજસિંહ તેમનાં પત્નીને ભૂલી ત્યાંથી રવાના થઈ ગયા હતા. જો કે રસ્તામાં યાદ આવતાં તેઓ 22 ગાડી સાથેનો આખો કાફલો પરત લઈને પહોંચ્યા હતા.
બધા કાર્યક્રમ પતાવી શિવરાજસિંહે પરત રાજકોટ જતાં રસ્તામાં જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતો અને લખપતિ બહેનો સાથે સંવાદ કર્યો હતો. ખરાબ રસ્તાના લીધે મોડા પહોંચેલા કૃષિમંત્રી સીધા જ કાર્યક્રમ સ્થળે પર પહોંચ્યા હતા, જ્યારે તેમનાં ધર્મપત્ની સાધનાબહેન કાર્યક્રમમાં જવાના બદલે ગિરનાર દર્શને ગયાં હતાં. જો કે તેમની 8:00 વાગ્યાની ફ્લાઇટ હતી. જૂનાગઢથી રાજકોટ વચ્ચે અત્યારે હાઇવેનું કામ ચાલી રહ્યું હોઈ તેમણે 8 વાગ્યે પહોંચી શકશે કે કેમ તેની ચિંતામાં કાર્યક્રમ ટૂંકાવ્યો હતો અને ભાષણ દરમિયાન જ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ‘હું આરામથી અહીં આવીશ, અત્યારે રાજકોટથી 8:00 વાગ્યાની મારી ફ્લાઇટ છે. રાજકોટથી જૂનાગઢ વચ્ચેનો રસ્તો ખૂબ ખરાબ છે. આ રસ્તાના લીધે મારે જવામાં મોડું થઈ રહ્યું છે.’ આમ શિવરાજસિંહ 22 ગાડીના કાફલા સાથે નીકળી ગયા હતા.
જો કે એક કિલોમીટર આગળ ગયા બાદ અચાનક તેમને પત્ની પણ સાથે આવી હોવાનું યાદ આવ્યું હતું. આથી તેમણે પત્નીને ફોન કરતાં તેમણે જૂનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્રના વેઇટિંગ રૂમમાં જ હોવાનું જણાવ્યું હતું. આથી શિવરાજસિંહે તમામ ગાડીનો કાફલો
પાછો મગફળી સંશોધન કેન્દ્ર તરફ પાછો વાળ્યો હતો અને પત્નીને સાથે લઈ રાજકોટ રવાના થયા હતા.


comments powered by Disqus