અમદાવાદઃ 12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બે પાઇલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)એ અહેવાલ આપ્યો છે કે, વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. બોઇંગને બચાવવા અમેરિકા પાઇલટને જવાબદાર ઠેરવી રહ્યું હોવાનું મનાય છે. અમેરિકન મીડિયા બોઇંગને સપોર્ટ કરે છે અને પાઇલટનું કૃત્ય હોવાની થિયરી રજૂ કરી રહ્યું હોવાની પણ ચર્ચા ચાલી છે.
WSJએ અહેવાલ આપ્યો છે કે, બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે, બોઇંગ વિમાન ઉડાવી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછયું ‘તમે ફ્યૂઅલ સ્વિચને કટઓફ કરી?’ પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત હતા. તેમણે ફક્ત એટલું કહ્યું કે, ‘મેં બંધ નથી કરી.’
ભારતીય એજન્સીઓએ નથી આપ્યો રિપોર્ટ
વોલ સ્ટ્રીટ જર્નલે રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનારા અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને આ દાવો કર્યો છે. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ, એરઇન્ડિયાની પ્રતિક્રિયા નથી.
ભારતે પાઇલટ્સની વાતચીત જાહેર કરી હતી
5 દિવસ પહેલાં ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી. અગાઉ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ 12 જુલાઈએ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. એમાં જણાવાયું હતું કે, ફ્યુઅલ સ્વિચ અચાનક ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયાં હતાં. જો કે રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું નથી કે ફ્યુઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ.
વોશિંગ્ટન પોસ્ટ-રોઇટર્સને નોટિસ
અમદાવાદ પ્લેન કેશને લઈ આંતરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ સામે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે કાર્યવાહી શરૂ કરી છે. સંગઠને આ મીડિયા સંગઠનો પર કોઈ નક્કર પુરાવા વિના દુર્ઘટના માટે પાઇલટને દોષી ઠેરવવાનો આરોપ લગાવ્યો છે. એસોસિયેશને કહ્યું કે આ અહેવાલોથી મૃતક પાઇલટની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થયું છે. જ્યારે તે તેઓ હવે પોતાનો પક્ષ રજૂ કરવાની સ્થિતિમાં નથી. કાનૂની નોટિસમાં બંને સંગઠનો પાસેથી જાહેરમાફીની માગ કરવામાં આવી હતી.