બગોદરામાં 3 સંતાનો સાથે માતા-પિતાનો ઝેર પીને આપઘાત

Wednesday 23rd July 2025 05:54 EDT
 
 

ધંધૂકાઃ અમદાવાદ જિલ્લાના બગોદરામાં એસ.ટી. બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી ઓરડીમાં ભાડેથી રહીને મધ્યરાત્રી બાદ રિક્ષા ચલાવી પત્ની અને ત્રણ બાળકોનું ગુજરાન ચલાવતા યુવાન વિપુલ વાઘેલા, પત્ની સોનલબહેન, મોટી પુત્રી સિમરન, પુત્ર મયુર અને સૌથી નાની દીકરી પ્રિન્સીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. મૂળ ધોળકાનો આ પરિવાર રોજીરોટી અર્થે એક મહિનાથી બગોદરામાં ભાડે રહેતો હતો.
સામૂહિક આપઘાતની આ ઘટનામાં કોઈ સ્યૂસાઈડ નોટ પોલીસને મળી નથી. પરિવારના આપઘાતનું સાચું કારણ શોધવા પોલીસ મથામણ કરી રહી છે. ધોળકાના બારકોઠા વિસ્તારના દેવીપૂજકવાસમાં રહેતા વિપુલભાઈ વાઘેલા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે ફાઈનાન્સ પર રિક્ષા લીધી હતી. શનિવારે રાત્રે આખા પરિવારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ અને જીવન ટુંકાવી નાખ્યું હતું. બગોદરા પોલીસ દ્વારા પાંચેયને તાત્કાલિક સીએચસી સેન્ટર ખાતે લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પાંચેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે ગુનો નોંધી આપઘાતના સાચા કારણો અંગે તપાસ માટે વિવિધ ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.


comments powered by Disqus