પટનાઃ બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, એવામાં ચૂંટણી પંચે સમગ્ર રાજ્યના મતદારોની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી છે જેના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે. ચૂંટણી પંચનો દાવો છે કે બુથ લેવલ અધિકારીઓએ ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી કરી તો સામે આવ્યું કે 7.90 કરોડ મતદારોમાંથી 35 લાખથી વધુ મતદારો તેમના સરનામા પર હાજર નહોતા. 17 લાખથી વધુ મતદારો કાયમ માટે અન્ય સ્થળે જતા રહ્યા છે. જ્યારે તેજસ્વી યાદવે ચૂંટણી પંચના દાવા પર સવાલો ઉઠાવ્યા હતા.
ચૂંટણી પંચે એકઠા કરેલા આંકડા મુજબ તાજેતરની વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન ૫.૭૬ લાખ મતદારોનો યાદીમાં સમાવેશ કરાયો છે. જ્યારે 12 લાખથી વધુ મતદારો એવા છે કે જેમનું મોત નિપજ્યું હોઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે અને આંકડામાં ફેરફાર પણ થઇ શકે છે તેવી સ્પષ્ટતા ચૂંટણી પંચે કરી હતી. ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે જે પણ લોકો રાજ્ય બહાર કામ કરી રહ્યા હોય તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જેથી તેમની પાસે ફોર્મ ભરાવી શકાય. હાલમાં 7 કરોડથી વધુ મતદારોમાંથી 89 ટકા લોકોએ એન્યુમેરેશન ફોર્મ ભર્યા છે.
35 લાખથી વધુ મતદારો તેમના ઘરો પર ના મળ્યા કે સરનામા પર ના રહેતા જોવા મળ્યા તેવા ચૂંટણી પંચના દાવાને પાયા વિહોણા ગણાવતા આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમને એવી જાણકારી મળી છે કે ચૂંટણી પંચને સત્તાધીશો તરફથી એવા આદેશ મળ્યા છે કે તેમણે મતદાર યાદીમાંથી 15 ટકા મતદારોની બાદબાકી કરવાની છે.