અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે અરબી સમુદ્રના પવનના કારણે મુંબઈ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો.
મેઘરાજાએ ગિરનાર પર વરસાવ્યું હેત
લાંબા વિરામ બાદ રવિવારે મેઘરાજાએ જૂનાગઢ પર હેત વરસાવતાં ગરવા ગિરનારનાં ઝરણાંઓ ફરી જીવંત બન્યાં. ભારે વરસાદના કારણે ગિરનાર પર્વત પરનાં ઝરણાં જીવંત બન્યાં હતાં અને રસ્તા પર પણ જાણે નદી વહેતી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અદ્ભુત કુદરતી સૌંદર્યનો લહાવો લેવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ભવનાથ તળેટી ખાતે ઊમટ્યા હતા. ભારે વરસાદથી દામોદર કુંડ સિઝનમાં ત્રીજી વખત નવાં નીરથી છલકાઈ ગયો છે.
અંકલેશ્વરમાં લોકોને હાલાકી
દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયો. રવિવારે પડેલા વરસાદમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જતાં વાહનચાલકોની સાથે સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થતાં ભરૂચ અને અંકલેશ્વરના અનેક વિસ્તારોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે.
વિસનગરમાં જળબંબાકાર
સોમવારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધોધમાર વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, તેમજ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. વરસાદના કારણે પાણી ભરાતાં અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી વહેતા થતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ડેમોમાં સરેરાશ 59.50 ટકા જળસંગ્રહ
અત્યાર સુધી પડેલા સતત વરસાદના કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. જુલાઈ મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે રાજ્યનાં 206 જળાશયોમાં 59.50 ટકા જેટલો સંગ્રહ થયો છે. જળાશયો છલોછલ થતાં 41 ડેમ માટે હાઇએલર્ટ, 22 માટે એલર્ટ અને 22 જળાશયને વોર્નિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.
ગુજરાતમાં રીજિયન પ્રમાણે
સિઝનનો વરસાદ
રીજિયન ઈંચ સરેરાશ
કચ્છ 12.5 63.35%
ઉત્તર 14.85 52.48%
પૂર્વ-મધ્ય 15.86 50.06%
સૌરાષ્ટ્ર 15.51 52.66%
દક્ષિણ 33.00 6.32%