ભેસાણમાં સરકારના મફત બિયારણમાં લાખોનું કૌભાંડ

મગફળીનું બિયારણ બારોબાર વેચાયું

Wednesday 23rd July 2025 05:54 EDT
 
 

જૂનાગઢઃ ખેડૂત અને ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા અપાતી સહાયનો ઉપયોગ કોઈ ખોટી રીતે ન થાય એ માટે સરકારે અનેક નિયમો ઘડ્યા છે, છતાં ભેસાણમાં ખેડૂતોને નિઃશુલ્ક મળતું મગફળીનું બિયારણ વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢના પરબ રોડ પર આવેલી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં 30થી વધુ ગુણી નિઃશુલ્ક મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો છે. આ બિયારણ રાષ્ટ્રીય બીજનિગમ લિમિટેડની થેલીથી કાઢી અન્ય થેલીમાં ભરી બારોબાર વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલાયું હતું, ગોડાઉનથી મગફળીના સરકારી બિયારણની ખાલી થેલી પણ મળી હતી.
ખેડૂત આગેવાનો અને ગ્રામજનોની માગ છે કે, આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદાર ડિરેક્ટર્સ અને ખાનગી પેઢી સામે ફૌજદારી ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે સરકાર ખેડૂતોનાં હિત માટે કરોડો રૂપિયા ખર્ચે છે અને આવા લેભાગુ સરકારની સહાયને બજારમાં વેચી નફો કમાય છે. આ અંગે ખોડિયાર એન્ટરપ્રાઇઝના માલિક પ્રકાશ લાખાણીએ કબૂલ્યું કે, સોમવારે અમારી જમીનની 7/12 પરથી 30 ગુણી મગફળીનું નિઃશુલ્ક બિયારણ આવ્યું હતું. જો કે વાવેતર અગાઉ જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તેને વેચવા મોકલી દીધું હતું.


comments powered by Disqus