મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકને શ્રદ્ધાંજલિ

Wednesday 23rd July 2025 06:37 EDT
 
 

નડિયાદઃ મહાગુજરાત ચળવળ એટલે કે દ્વિભાષી રાજ્યમાંથી અલગ ગુજરાત રાજ્યને દરજ્જો મળ્યો તે દિશામાં મહત્ત્વની કામગીરી કરનારા ઇન્દુલાલ યાજ્ઞિકનો 17 જુલાઈએ નડિયાદમાં નિર્વાણદિન ઊજવાયો. તેમની જન્મભૂમિ નડિયાદમાં જુદાજુદા કર્મશીલોએ ઇન્દુચાચાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. શહેરના સંતરામ મંદિર પાસે આવેલી ઇન્દુલાલ યાજ્ઞિકની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરાઈ હતી અને ‘ઇન્દુચાચા અમર રહો’ના નારા લગાવ્યા હતા.
અગ્રણી નરેન્દ્ર નકુમે જણાવ્યું કે, હાલ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા આસપાસનો ભાગ ખૂબ જર્જરિત હોવાથી યુદ્ધના ધોરણે કામગીરી કરાય તેમજ પ્રતિમા અન્ય જગ્યાએ શહેરના હાર્દસમા વિસ્તારમાં ખસેડવામાં આવે. સાથેસાથે શહેરમાં ડભાણ રોડ પરની કલેક્ટર કચેરીને ‘ઇન્દુચાચા સેવાસદન’ નામ આપવામાં આવે.


comments powered by Disqus