સરકાર 2036ના ઓલિમ્પિક્સની તૈયારી કરી રહી છે

Wednesday 23rd July 2025 06:36 EDT
 
 

ભારત સરકાર અત્યારથી 2036ના ઓલિમ્પિક્સની તૈયારી કરી રહી છે અને તેના ભાગરૂપે અંદાજે 3000 રમતવીરોને પ્રતિમાસ રૂ. 50 હજારની સહાય શરૂ કરાઈ છે. આ ઉપરાંત ગેમ્સને ધ્યાનમાં રાખીને સરકાર વિસ્તૃત યોજના સાથે સિસ્ટમ તૈયાર કરી રહી છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.

• હનીટ્રેપમાં 4 મંત્રીની સંડોવણી અંગે સંજય રાઉતનો આરોપઃ મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનેલા હની ટ્રેપ પ્રકરણમાં 4 મંત્રીઓ પણ સંડોવાયેલા હોવાનો આરોપ સંજય રાઉતે કર્યો છે. જો કે ભાજપે આ દાવાને નકારતાં કહ્યું હતું કે રાઉત પાસે આ અંગેના કોઈ પુરાવા હોય તો તેમણે જાહેર કરવા જોઈએ.

• જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂઃ સોમવારે સંસદના બંને ગૃહમાં અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરાઈ. લોકસભામાં શાસક અને વિપક્ષી પક્ષોના 145 સાંસદો અને રાજ્યસભામાં 63 સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા. તેને લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા અધ્યક્ષને સોંપાયો છે.

• ગૂગલ, મેટાના અધિકારી ED સમક્ષ હાજર ન થયાઃ ગૂગલ અને મેટા કંપનીના અધિકારીઓ ગેરકાયદે ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ હાજર થયા નહોતા.

• નિસાર સેટેલાઇટ 30 જુલાઈએ લોન્ચ થશેઃ નાસા અને ઇસરોનો સંયુક્ત પૃથ્વી અવલોકન સેટેલાઇટ નિસાર 30 જુલાઈએ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે. GSLV-F16 રોકેટ આ સેટેલાઈટને સન-સિંક્રોનસ ઑર્બિટમાં સ્થાપિત કરશે.

• આંધ્રના પૂર્વ સીએમ જગનમોહન સામે ચાર્જશીટઃ રૂ. 3500 કરોડનું લીકર કૌભાંડમાં આંધ્ર પોલીસ દ્વારા 305 પાનાંની ચાર્જશીટ દાખલ કરાવાઈ છે, જેમાં પૂર્વ સીએમ વાય.એસ. જગન મોહન રેડ્ડીનું નામ દાખલ કરાયું છે.

• પુતિન ભારત આવશેઃ રશિયા -યુક્રેન યુદ્ધના લીધે વધતા વૈશ્વિક તણાવ અને અમેરિકા-નાટોના વિરોધ છતાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન ચાલુ વર્ષના અંતે ભારત આવશે. તેમની આ મુલાકાત ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનના સંદર્ભે થશે

• માલદીવના 60મા રાષ્ટ્રીય દિવસે મોદી મુખ્યઅતિથિઃ નરેન્દ્ર મોદી 23 અને 24 જુલાઈએ બ્રિટનની મુલાકાત બાદ સીધા માલદીવ પહોંચશે, જ્યાં તેઓ માલદીવના 60મા રાષ્ટ્રીયદિવસે મુખ્યઅતિથિ તરીકે હાજરી આપશે.

• ડિજિટલ એરેસ્ટ કેસમાં પ્રથમ વખત સજાઃ દેશમાં ડિજિટલ એરેસ્ટના મામલે પ્રથમ વખત 9 આરોપીને આજીવન કેદની સજા અપાઈ છે. આ તમામ આરોપીને મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણાથી ધરપકડ કરીને બંગાળ લાવવામાં આવ્યા હતા.

• આરએસએસ ગાંધીજયંતીએ 100 વર્ષ ઊજવશેઃ RSSની સ્થાપનાને ગાંધીજયંતીના દિવસે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વિજયા દશમીએ સંઘની સ્થાપના થઈ હતી. સંઘે 2 ઓક્ટોબરે સ્વયંસેવકોને શાખામાં પહોંચવાનું આહવાહન કર્યું છે. જેમાં ગાંધીજીનાં ભજન પણ ગાવામાં આવશે. જે શાખામાં 100થી વધારે સ્વયંસેવક છે ત્યાં પથ સંચાલન થશે.

• બંગાળમાં દીકરીઓ સુરક્ષિત નહીંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં રૂ. 5,400 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન તેમણે આરજીકર અને લો કોલેજ મામલાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું, બંગાળમાં દીકરીઓ સુરક્ષિત નથી.

• આપનું ઇન્ડિયા ગઠબંધનને ‘બાય-બાય’: સંસદના મોનસૂન સત્ર પહેલાં ઇન્ડિયા ગઠબંધનને આંચકો લાગ્યો. આપે 2024ની લોકસભા ચૂંટણી પછી ગઠબંધનથી અંતર બનાવ્યું હતું. હાલમાં ઓપરેશન સિંદૂરના મુદ્દા પર પાર્ટીએ સંસદના વિશેષ સત્ર બોલાવવાની માગ કરતા પીએમ મોદીને લખેલા ગઠબંધનના સંયુક્ત પત્રથી પોતાને અલગ ગણાવ્યા.

• સ્વતંત્રતા બાદ પહેલીવાર બસસેવાઃ નક્સલીઓનો ગઢ રહેલા મહારાષ્ટ્રના ગઢચિરૌલીના અંતરિયાળ મરકનાર ગામમાં સ્વતંત્રતા બાદ પહેલીવાર સરકારી બસસેવા શરૂ થઈ. બુધવારે પહેલીવાર બસ પહોંચી ત્યારે સ્થાનિકોએ તેનું સ્વાગત કર્યુ હતું.


comments powered by Disqus