સુરતઃ સમયાંતરે ચર્ચામાં રહેતું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રવિવાર સવારથી ચર્ચાનો વિષય હતું. રવિવારે સવાર ડિપાર્ચરમાં ચેકિંગ એરિયા પાછળ ફોલ સીલિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. દોઢ વર્ષ અગાઉ ઉદ્ઘાટન કરાયેલા આ ડિપાર્ચરમાં ફોલ સીલિંગનો ભાગ પડવાની ઘટના બાદ તેના મટિરિયલની ગુણવત્તાને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.
ધરાશાયી ફોલ સીલિંગના વિસ્તારથી પ્રવાસીઓની સાથે કર્મચારીઓની સતત અવર-જવર રહેતી હોય છે. સદનસીબે આ ઘટના સવારે 6 વાગ્યે બની હતી અને તે સમયે પ્રવાસીઓ કે કર્મચારીઓની વધુ અવર-જવર ન હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. એરપોર્ટ ઓથોરિટીએ ઘટનાની ગંભીરતા સમજી તુરંત આસપાસની અન્ય 20થી 25 સીટ કઢાવી તેનું નવેસરથી ફીટિંગ કરાવ્યું હતું.