ભરૂચઃ મૂળ સુરતનો પણ છેલ્લાં 25 વર્ષથી ઔરંગાબાદ નજીકની એક મદરેસામાં નોકરી કરતો મૌલવી ભરૂચથી હવાલાના રૂ. 48 લાખ રોકડા લઈને તેના ગામ વેસ્તાન ડુંગરી જઈ રહ્યો હતો, ત્યારે અંક્લેશ્વરમાં પાર્ક કરેલી કારથી રૂ. 48 લાખની ચોરી થતાં આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે કારમાંથી રૂ. 48 લાખની ચોરી કરનારા 3 આરોપીને રૂ. 40 લાખ તથા મોપેડ સાથે ઝડપી પાડ્યા હોવાની ચકચારી ઘટનાની તપાસમાં ઈડી પણ જોડાઈ છે. સાકીર પટેલના નામે એક વર્ષમાં 30થી વધુ વખત આંગડિયાથી પૈસા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અંકલેશ્વરમાં પાર્ક કરેલી કારમાંથી રોકડની ચોરી બાદ બંને આરોપીઓ પાસેથી પોલીસને રૂ. 40.35 લાખ રોકડા મળ્યા હતા. ઝામ્બિયાથી હવાલા મારફતે આવેલા રૂ. 48 લાખની આરોપીઓએ ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી. હાલ તો પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. મૌલવીએ ઘટનાને છુપાવવાના અનેક પ્રયાસો કર્યા હતાં. સાકીર પટેલ પાસે આવેલાં હવાલાના રૂપિયા અફઝલ ડિલિવરી કરી આપતો હતો. સાકીર પટેલના નામે 30થી વધુ વખત આંગડિયાથી પૈસા આવ્યા હોવાની વિગતો મળી હોવાનું એસઓજીએ જણાવ્યું હતું.
અફઝલના ભાઈ હુજેફાએ સાકીરનું વ્હોટ્સએપ 10 દિવસ પહેલાં હેક કરી લીધું હતું. સાકીર પર વિદેશથી હવાલાના રૂપિયા મોકલવામાં આવે તેના મેસેજ આવતા હતા. ઝામ્બિયાથી હવાલાના રૂ. 48 લાખ સાકીર પાસે આવ્યા હોવાની જાણ હુજેફાને થઈ હતી, તેથી તેણે ઝક્કરિયા ઇદરીશ પટેલ તથા મોહંમદ જાવેદ પટેલ સાથે રૂપિયાની ચોરી કરવાની યોજના બનાવી હતી અને અંકલેશ્વરના ઓમકાર કોમ્પ્લેક્સમાં ખરીદી માટે મૌલવી રોકાયા ત્યારે રૂ. 48 લાખ ચોરી લીધા હતા. ભરૂચ એસઓજી પીઆઇ આનંદ ચૌધરી તથા તેમની ટીમે મોપેડ સવાર બે યુવાનની શંકાસ્પદ હિલચાલ શોધી તેમની ઓળખ કરી લીધી હતી. પોલીસે બંનેને ઝડપી પાડ્યા ત્યારે હવાલા રેકેટનો પર્દાફાશ થયો હતો.