અમદાવાદઃ શહેર તહેવારો પહેલાં જ વિવિધ રંગે રંગાઈ ગયું છે, ત્યારે બજાર પણ ધીમેધીમે તેજી પકડી રહ્યું છે. ખાસ કરીને નવરાત્રી અને દિવાળી એ બંને એવા તહેવારો છે જેમાં લાખો લોકો શહેરમાં સહપરિવાર મનમૂકીને ખરીદી કરે છે. ખાણીપીણીનો ભરપૂર આનંદ માણે છે. ઘર સજાવટથી લઈને કપડાં, વાહન ખરીદી સુધીની મોટાપાયે ખરીદી કરે છે. લોકોનો આ જોમ-જુસ્સો અને આનંદ અનેક ધંધામાં તેજી ફૂંકે છે.
આ તહેવારો દરવર્ષે અનેક ધંધા માટે બૂસ્ટર ડોઝ પુરવાર થાય છે. 90 લાખથી વધુની વસ્તી ધરાવતા અમદાવાદમાં રૂ. 14,000 કરોડથી વધુનું બજાર ઊભું કરે છે, જેમાં નવરાત્રી રૂ. 4,000 કરોડનો ધંધો કરી આપે છે. નવરાત્રીમાં ડ્રેસ, ગરબા ઇવેન્ટ અને ઓર્નામેન્ટ તરફ લોકોનો ઝુકાવ વધુ હોય છે. જ્યારે દિવાળીમાં સુશોભન, ગિફ્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને મીઠાઈનો ધંધો વધારે ચમકે છે. તહેવારોમાં શહેરમાં આર્થિક ગતિશીલતા વધતાં રોજગારી, વેપાર, પ્રવાસન ક્ષેત્રે હજારો લોકોને રોજગારી મળે છે. નવરાત્રી ટ્રેડ અને માર્કેટિંગ માટે પણ મોટો અવસર બની રહે છે, જેમાં દરેક વયના લોકો જોડાય છે, તેની સાથે ખરીદીમાં વધારો થાય છે.

