અમદાવાદઃ પોતાની પત્ની વિરુદ્ધ લેસ્બિયન હોવાના ગંભીર આરોપ લગાવી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્રપ્રસાદ પાંડેએ પત્ની અને સાસરિયાં વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રદ કરાવવા સાસરિયાં તરફથી હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી જણાવાયું હતું કે, બંને પક્ષે સમાધાન થઈ ગયું છે, તેથી હવ કાર્યવાહીનો અર્થ રહેતો નથી. બંને પક્ષને સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરી હતી.
કાલુપુર સ્વામનિરાયણ મંદિરના વ્રજેન્દ્રપ્રસાદ પાંડેએ કરેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરાયા હતા કે, તેમની પત્નીએ સાચી હકીકતો છુપાવીને તેમની સાથે લગ્ન કર્યાં છે અને વિશ્વાસઘાત કર્યો છે. હનિમૂન માટે બાલી ગયા ત્યારે તેઓ પોતાની પત્નીને સૂપમાં સફેદ પાવડર ભેળવતા જોઈ ગયા હતા. જો કે તેમણેે પત્નીની નજર ચૂકવી સૂપ ઢોળી દીધો હતો. બાદમાં જ્યારે રાત્રે ઊઠીને જોયું તો તેમની પત્ની હોટેલના અન્ય રૂમમાં અન્ય કોઈ સ્ત્રી સાથે લેસ્બિયન સંબંધો બાંધી રહી હતી. પત્નીની ચેટમાં એવો પણ ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપી પત્નીએ ફરિયાદી પાસેથી રૂ. 100 કરોડ પડાવી ભાગી જવાનું કાવતરું રચ્યું છે.
ગયા મહિને નોંધાયેલી આ પોલીસ ફરિયાદ રદબાતલ ઠરાવવા સાસરિયાપક્ષના સભ્યોએ હાઈકોર્ટમાં રિટ અરજી કરી હતી અને બંને પક્ષે સમાધાન થઈ ગયુ હોવાની વાત કોર્ટના રેકર્ડ પર રજૂ કરી હતી.

