નવી દિલ્હીઃ અંતે તે ઘડી આવી ગઈ, જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. નવરાત્રીના પ્રથમ દિવસ એટલે કે સોમવારથી જનતાની જરૂરિયાતની 90 ટકાથી વધુ વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. જીએસટી કાપને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું, હવે દેશમાં 375થી વધુ વસ્તુઓ રસ્તી થશે. તેમાં રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ જેવી કે ઘી, પનીર, માખણ, નમકીન, ડ્રાયફ્રૂટ્સ અને આઇસક્રીમ પણ સામેલ છે. આ સાથે ટીવી, એસી અને વોશિંગ મશીન જેવાં ઉત્પાદન પણ સસ્તાં થશે. નવા સ્લેબમાં હવે 99 ટકા વસ્તુઓમાં 5 ટકા કર લાગશે. હવે ફક્ત 5 ટકા અને 18 ટકા જીએસટી લાગુ થશે. અલ્ટ્રા લક્ઝરી વસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાગશે. પીએમ મોદીએ કહ્યું, આ સુધારા અને રૂ. 12 લાખ સુધીની આવક પર ટેક્સ છૂટથી નાગરિકોને રૂ. 2.5 લાખ કરોડની બચત થશે. તેમણે તેને ‘'જીએસટી બચત ઉત્સવ' કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક ભારતીયે ગર્વથી કહેવું પડશે કે તેઓ સ્વદેશી વસ્તુ ખરીદે છે અને વેચે છે.
GST કાઉન્સિલે 3 સપ્ટેમ્બરે એક મોટો નિર્ણય લીધો અને GST દરમાં મોટો ફેરફાર કર્યો છે, જે મુજબ હવે ફક્ત બે GST સ્લેબ 5 ટકા અને 18 ટકા જ રાખવામાં આવ્યા છે. 12 ટકા અને અને 28 ટકાના ટેક્સ સ્લેબને ખતમ કરી દેવાયો છે. 12 ટકા સ્લેબની મોટાભાગની વસ્તુઓને 5 ટકા સ્લેબની કેટેગરીમાં મૂકવામાં આવી છે, જ્યારે 28 ટકા સ્લેબની મોટાભાગની વસ્તુઓને 18 ટકા સ્લેબમાં મૂકવામાં આવી છે. આ સિવાય કેટલીક વસ્તુઓ પર GST દર ઘટાડીને શૂન્ય કરી દેવાયો છે, એટલે કે હવે આ પ્રોડક્ટ્સ પર ઝીરો GST લાગુ થયો છે, જેનાથી આ વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે.
કઈ-કઈ વસ્તુઓ પર લાગશે 0 GST?
ફૂડ આઇટમ્સ સિવાય હેલ્થ સેક્ટરને પણ ઝીરો GSTની ભેટ મળી છે. કેટલીક જીવનરક્ષક દવાઓ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પરથી ટેક્સ હટાવી દેવાયો છે, એટલે કે આ દવાઓ અને વીમા પ્રીમિયમ નોંધપાત્ર રીતે સસ્તાં થઈ જશે. 33 દવા પરથી GST હટાવી દેવાયો છે. મેડિકલ ગ્રેડ ઓક્સિજન પર 12 ટકા GST લાગતો હતો, જે પણ હવે હટાવી દેવાયો છે. આ સિવાય પનીર, માવો, દૂધ, બ્રેડ, સ્ટેશનરી આઇટમ્સમાં 0 ટકા જીએસટીના પગલે ભાવમાં ઘટાડો આવશે.

