અમદાવાદઃ આસ્થાના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીની પ્રથમ નોરતે મા કાલિકાનાં દર્શન માટે એક લાખ ઉપરાંત માઇભક્તો ઊમટી પડ્યા હતા. વહેલી સવારે નિજમંદિરના દ્વાર ખુલ્લા મૂકતાં જ મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગૂંજી ઊઠ્યુ હતું. પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતાજીનાં દર્શન માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવે છે. નવરાત્રીના 10 નોરતાં દરમિયાન 10 લાખથી વધુ ભક્તો શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં ઊમટ્યા હતા.
જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'આહવાન મા આદ્યશક્તિ' થીમ પર એક હજારથી વધુ કલાકારોના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ સાથે શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અને મંત્રી સહિતના મહાનુભાવો મા જગદંબાની મહાઆરતીમાં સહભાગી થયા હતા. રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, જગદીશ વિશ્વકર્મા, કુંવરજીભાઈ હળપતિ તથા અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈનની હાજરીમાં મુખ્યમંત્રીએ સૌને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ દાંડિયાથી માંડીને આભૂષણો, પ્રસાધનની સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાને આપેલા આહવાનને ઝીલી લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો અને સ્વાધિનતાના સંકલ્પ સાથે વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા અપીલ
કરી હતી.

