નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનનો એક 13 વર્ષનો કિશોર રવિવારે 21 સપ્ટેમ્બરે વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈ ભારત આવી ગયો હતો. અફઘાનિસ્તાનની KAM એરલાઇન્સની ફ્લાઇટ RQ-4401 કાબુલના હામીદ કરઝાઈ એરપોર્ટથી સવારે 8:46 વાગ્યે ઉડાન ભરી હતી અને સવારે 10:20 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3 પર લેન્ડ થઈ હતી.
એરલાઇન સ્ટાફે ફ્લાઇટની નજીક એક છોકરાને ભટકતો જોયો. તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી અને ત્યારબાદ CISFએ કિશોરની અટકાયત કરી અને તેને પોલીસને સોંપી દીધો હતો.
અફઘાનિસ્તાનના કુન્દુઝના રહેવાસી આ છોકરાએ અધિકારીઓને જણાવ્યું કે, તેણે જિજ્ઞાસાથી આ કર્યું છે. તે જોવા માગતો હતો કે કેવું લાગે છે. સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કિશોર કાબુલ એરપોર્ટમાં ઘૂસી ગયો હતો અને વિમાનના પાછળના લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. સંપૂર્ણ તપાસ પછી વિમાનને સલામત જાહેર કરાયું હતું. એ જ દિવસે એ જ ફ્લાઇટમાં કિશોરને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો.

