નવી દિલ્હીઃ વોટચોરી મુદ્દો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. ગુરુવારે સવારે રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરી ચૂંટણીપંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમની પત્રકાર પરિષદ બાદ ચૂંટણી કમિશને રાહુલ ગાંધીના આક્ષેપને પાયા વિનાના ગણાવ્યા. ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના વરિષ્ઠ નેતાઓએ આ મુદ્દે એકબીજા પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું.
ભાજપ તરફથી રવિશંકર પ્રસાદ, સાઇના એન.સી., અનુરાગ ઠાકુરે કોંગ્રેસનો ઉધડો લીધો હતો, તો કોંગ્રેસ તરફથી જયરામ રમેશે ભાજપની ઝાટકણી કાઢી હતી. બિહારની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથે જ વોટચોરીનો મુદ્દો પણ હવે ઉગ્ર બની રહ્યો છે. રાહુલે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર નિશાન સાધતાં કહ્યું કે, તેઓ એ લોકોને બચાવી રહ્યા છે કે જેમણે ભારતીય લોકશાહીને નષ્ટ કરી દીધી છે, જેમણે વોટચોરી કરી છે. આ આરોપો સામે જ્ઞાનેશકુમાર દ્વારા પણ સ્પષ્ટતા અપાઈ હતી.

